લાઇટો ની પળોજણો

 ખાસ નોંધ:


સૌથી પહેલા, હું મારા વાચક મિત્રો ને સ્પષ્ટ જણાવી દઉં આ લેખો પ્રદેશિક પાન-ગલ્લાની બોલીના વિકાસ માટે લખવામાં આવેલ છે માટે જગ્યા-જગ્યાએ લાઇટો આવી અને ગઈ એવા સામાન્ય રૂઢિ શબ્દો વાપરવામાં આવ્યા છે આનો મતલબ એ કે લાઇટ ના આવે અને જાય, પણ વીજળી આવે અને જાય એવું ઓક્સ્ફોર્ડિયું ડોઢડાપણ કોમેન્ટોમાં કરવું નહીં. લેખકે ખુદ ઇજેનેરીમાં ચાર વર્ષ, એક નામાંકિત એટિકેટી સાથે, વીજળીશાસ્ત્રનો અભ્યાસ આદરીને તેની મા, બહેન, કાકીસાસુ, મામીસાસુ બધા ની ઉંડી જાણકારી પ્રાપ્ત કરેલ છે. તો લેખક સામે આવી બેતુકી હોશિયારી મારવી નહીં, નહિતર ખુલ્લી બબાલ કરવામાં આવશે એ જ નમ્ર વિનંતી થી હું આજ નો લેખ શરૂ કરું છું. 


મારા પસંદગી અને નાપસંદગીઓ ની ચર્ચા તો ગોધરામાં ગલીએ-ગલીએ ગવાય છે પણ ખરેખરમાં, સોનું નિગમ પછી અગર કોઈ નિગમ મને પસંદમાં આવ્યું હોય તો તે છે ‘ગુજરાત વીજળી નિગમ.'


ગુજરાત વીજળી નિગમ ની પસંદગી માટેના ઘણા કારણો છે એક તો એ જ કે ગોધરા જેવા શુસાસિત શહેરમાં જ્યારે પણ લાઇટો જાય અને તમે વીજળી નિગમ ને તે જવાનું કારણ પૂછવા ફોન કરો તો કવિ કાલિદાસની કોઈ કવિતા ના મુખ્ય નર પાત્રના સુમધુર અવાજમાં તે કહી દે, કે મેઇનટેન્સ ચાલે છે! મે મારી પૂરી જિંદગી માં આટલા ઉદ્યમી લોકો આ જ સુધી જોયા જ નથી. ઉનાળામાં લોડ વધી ગયો છે, ચોમાસામાં થાંભલા પડી ગયા છે અને શિયાળા માં ફોન કરો તો કે કે શિયાળા માં વીજળીની શું જરૂર છે એમ કોઈ પણ રૂતુ માં સવાર- સાંજ- બપોર ઘરના આંગણે રમતી દીકરી નું જેમ લાઇટો નું મેઇનટેન્સ કરતાં આ લોકો ને જોઈ ને આખામાં જળજળિયા આવી જાય.


બીજું કારણ કે બીજા રાજ્યો ની જેમ અહી ગમે તે દિવસે વીજકાપ કરીને અચાનક તમારો થપ્પો કરી દેતા નથી. મુઘલ શાસકોથી ચાલતી પ્રથા મુજક રિક્ષા ફેરવી માઇક પર આદેશ બહાર પાડે છે, કે સાંભળો સાંભળો, સાંભળો, ફલાણા-ફલાણા દિવસે ગોધરા શહેરમાં વીજળી કાપવામાં આવે છે! પણ પેટ્રોલનો ભાવ વધ્યા બાદમાં રિક્ષા ખર્ચ વધી જતાં દર અઠવાડીયા ગોધરામાં મંગળવાર નો મંગળ દિવસ વિજકાપ માટે હોમવામાં આવ્યો છે જેથી જ્યારે તે દિવસે વીજળી ની કપાત થાય તે પહેલા તમે તમારા ઉપકરણોને વહેલી તકે ચાર્જ કરી શકો. [વર્ષો જૂની રીક્ષા પ્રથા ચાલુ રહે તેમાટે ટેસ્લા ને ઇરિક્ષા બનવાનો આદેશ 'યુનેસ્કો' આપે તે માટેના પત્રો મે ખુદ લખ્યા છે.] 


અહી મારો કહવાનો અર્થ એ નથી કે સરકારશ્રી વીજળી ઉધ્યોગ સેક્ટરમાં આપી દે છે જેથી લોકો માટે આપવા તેમની પાસે વીજળી નથી પણ એ છે કે તે મંગળવારના મંગળ દિવસે લાઇટો કાપવાના તેમના કેટલાક સામાજિક કારણો છે જેની હું ચર્ચા કરવા માંગુ છું, 


એક તો એ કે આ વિજકાપ એ વીજળીચોરી સામે લીધેલા જબરદસ્ત પગલાંમાના એક છે, જો વીજળી આવે જ નહીં તો તમે ચોરી શું કરશો જેવા ચેક એન્ડ મેટ જેવા કદમ ને લીધે વીજચોરો તો જાણે હક્કા-બક્કા થઈ ગયા છે. તેમાથી ઘણા એ તો નિરાશ થઈને ઘરપરિવારની રોજી ચલાવવા વીજચોરી છોડી સીસીટીવી કેમરા અને ડેટાચોરી જેવી મામૂલી ચોરી તરફ ઝંપલાવ્યું છે.


વિજકાપ પાછળનું બીજુ મોટું કારણ દેશના યુવા છે કે આ જે ઘરે બેસી ને કામ કરી દેશમાં હરિત, સફેદ, વાદળી અને ચટ્ટા-પટ્ટા વાળી ક્રાતિઓ આદરતા દેશના યુવાનો અને યુવતીઓ બે ઘડી લાઇટો નથી એમ કહી પોતાના મેનેજર પાસેથી રજા લેવા માટે મેઇલ કરી શકે, બે ઘડી તેઓ પણ બપોર ની નિંદરનું મહાસુખ લઈ શકે, તે ઉપરાંત ચાર્જિગ ના હોવાથી પોતાના મોબાઇલ અને લેપટોપની સ્ક્રીનમાંથી બહાર આવી બે ઘડી 'આવો ને ચકલા, આવો પારેવા, ચોક માં દાણા નાખ્યા છે' ગાઈ શકે એવો નિસ્વાર્થ ઉદેશ્ય પણ આ વિજનિગમનો છે. 


વિજકાપ તો કેટલા યુવા માટે પ્રધાનમંત્રીશ્રીના 'આપદા કો અવસર મે બદલો' ની યોજના હેઠળ એક આર્શિવાદ  સમાન છે. ભારત સરકર ની એક રિપોર્ટ મુજબ વિજકાપ ને કારણે જ આખો દિવસ ઘરની અંદર જ બેસી રહેતી યુવતી માત્ર લાઇટો ના હોવાથી છેલ્લે થાકીને હવા ખાવા પણ બહાર બાલ્કનીમાં આવે છે જેથી સર્વ લઠંગ-લફંગા સમિતિ ને (એસએલએલએસ) તેમની ખૂબસૂરતી માણવાનો અવસર મળી જાય છે.


વિજળી કપાતના કારણે ઘરના બધા જ સભ્યો એક છત નીચે આવી અને વિજનિગમ ને ગાળો આપતા પરિવારિક એકતામાં ભરમાર વધારો થાય છે અને ખાલી પોતાની જ નથી ગઈ પણ આખા ગામમાં બધાની લાઇટો ગઈ છે એમ બહાર જઇ ચેક કર્યા બાદ 'હમ સબ એક હે' એવી સમાનતાની લાગણી વિજનિગમ લાવવામાં સફળ થાય છે તે કોઈ પણ બીજી રીતે હાંસિલ કરી શકાતી નથી. 


દશેરાના દિવસે ધોડો ના દોડે એમ આજે બહાર વરસાદ પડતો હોઇ હજી લાઇટો નથી ગઈ એ અજાયબતા સાથે હું મારો લેખ આહિ જ પૂરો કરું છું.


જય હિન્દ.











Comments

Post a Comment

Popular Posts