લાડુની કટોકટી
ગઇ-કાલની પેહલી જ વરસાદમાં જ્યારે મુંબઈના અમુક વિસ્તારોમાં પાણી છેક ઘૂંટણ સુધી ભરાઈ ગયું ત્યારે મુંબઈવાસીઓની વચ્ચે એક ખુશીની લહેર ઉઠી પડી. ઘેર-ઘેર ઉમંગ અને ઉત્સાહના વાવાઝોડા (વિપુલ-જોય) ઉમળી ઉઠ્યા. આ જ સમયે જયારે અચાનક જીતુભાઇની અરિહંત શુદ્ધ રાજસ્થાની અને ગુજરાતી વેજ થાળીની મેસમાં અચાનક રવિવારના ફીસ્ટના દિવસે બાર વાગતામાં જ લાડુની સમાપ્તિ થવાને કારણે શટર પાડી દેવામા આવ્યા છે એના સમાચાર મળ્યા ત્યારે વાતાવરણમાં કટોકટી ફરી વળી.
અમારા નકામા પત્રકાર શ્રી પ્રલય કુમારને વાતની ચકાસણી કરવા દાદર મોકલવામાં આવ્યા ત્યારે જાણવામાં મળ્યું કે હાલ નેશનલ સિક્યુરિટીના દાદરા બ્રાંચના હેડ અજિત કપડાંધોવા-આલ ખુદ આવી ને ઘટનાની પાછળનું સત્ય શોધવાની કોશિશ કરી રહ્યા છે. રાહત પેકેજ રૂપે જીતુભાઇને શિરો બનાવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે અને શિરો જ્યા સુધી ના બને ત્યાં સુધી બજારમાં કોઈ પણ અફવા ના ફેલે એની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
કઢી, ખમણ, બટાકા નું શાક, દસ પુરી, અઢી કિલો શિરો અને ઠંડી છાશ ખુદ દબાવ્યા બાદ પ્રલયકુમારે જીતુભાઈ સાથે વાત કરી.
પત્રકાર પ્રલય કુમાર: અમારા વાચકો માટે જણાવશો આ બધું થયું કઈ રીતે?
જીતુભાઇ: સરકારે જેમ પંચવર્ષીય યોજનાઓને નીતિ આયોગમાં સામેલ કરી પાંચવર્ષની જગ્યા એ વાર્ષિક નીતિ બનવાનું આયોજન કર્યું ત્યારે અમારા રસોઈયા જવાહરે પણ માસિકની જગ્યા એ અઠવાડિક આયોજન કરી સોમવાર થી રવિવારનું મેનુ ફિક્સ કરવા માટે, કુકનિતી અયોગની એક સંરચના અમારી સામે જૂન પેહલી તારીખે ચા-ગાંઠિયાની બેઠકમાં મૂકી. એ પ્રમાણે રવિવારે ફીસ્ટમાં સીઝનમાં પેહલીવારના લાડુ બનાવાના છે એ વાત બુધવારે રાત સુધી માં વાઇરલ થઇ ગઈ. મને લાગે છે આની અસરના લીધે ઘર હોવા છતાં રવિવારે જમવાનું કોણ બનાવે એવી વિદેશી તાકાતોનો પ્રચંડ હુમલો થયો, જેને લીધે આ ઘટના બની હોવાનું માલુમ પડે છે.
પત્રકાર પ્રલય કુમાર: આ ઘટના માં ઓમભા' જેવા લોકોનો પણ હાથ હોઈ શકે, જેમ ને એક જ બેઠકમાં 25 લાડુ ની કુરબાની લઇ લીધી, એના વિષે તમારું શું કેહવું છે?
જીતુભાઇ: ઓમભા' અમારા જુના ગ્રાહક છે, જ્યારે પણ રવિવારે મીઠાઈ બનતી હોય છે ત્યારે તેમના માટે અલગ થી બજેટ ફાળવવા માં આવે છે. ઓમભા' માટે અમે પેહલે થી બત્રીસ લાડુ બાજુ પાર મૂકી રાખ્યા હતા. ઉપરથી અમે તો એમના મોટા મનનો આભાર માનીયે છે કારણકે જ્યારે તેમને ઘટનાની બાતમી મળી તેમને એમના કોટામાંથી લાડુ કમ કરી પચ્ચીસ જ લાડુ ખાધા.
પત્રકાર પ્રલય કુમાર બીજા સવાલો પૂછવાના હતા પણ જીતુભાઈ, 'અરે જા ને બાપા જા!' કહી એ આજના અને ગયા મહિના બાકી રહી ગયેલા પૈસાની વાત કરી ત્યારે તેમને બહુ કામ છે પછી આવીને હિસાબ કરીશ એમ કહી ભાગી જવું પડ્યું.
જતા- જતા પત્રકાર પ્રલય કુમારે નેશનલ સિક્યુરિટી ના દાદરા બ્રાંચના હેડ અજિત કપડાંધોવા-આલને હાલની સ્થિતિ પર ટિપ્પણી કરવાનું કહ્યું ત્યારે એમને જણાવ્યું કે હાલ સ્થિતિ કાબુમાં છે, ઘી નો શિરો એ લાડુ જેવો તો નથી પણ જેને લાડુ નથી મળ્યું એમને દુઃખી થવાની કોઈ જરૂર નથી. એમને વધુમાં જણાવ્યું કે નેશનલ લાડુ સમિતિના વડા, પન્નાલાલ પટેલ લાડુનું જમણ રાહતફંડ માંથી આવતી વખતે દરેકને એક એક વધારે લાડુ આપશે. સરકારે એક ટ્રેનિંગ પ્રોગામની આગાહી કરી છે જેથી આવતી વખતે આવી ઘટના બને તો કેવી રીતે રીતે પોતાને તૈયાર કરી શકાય.
અંતમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે એની પાછળ કોનો હાથ હોઈ શકે તો, દેશની દરેક ઘટનાની જેમ આ ઘટનાની પણ સીબીઆઈઆની તાપસ કરે જ છે એમ કહી એ બાઈકની કિક મારી ને જતા રહયા.
Comments
Post a Comment