ચંપલ ચોર
સવારે લગભગ દસ વાગ્યાની આસપાસ એકાએક વાતાવરણમાં ઉગ્રતા વધી ગઇ. મારી આખો બંધ હતી પણ માલૂમ પડતું હતું કે બે વ્યકતીઓ ઘણા મોટા અવાજે કંઇક વાતચીત કરી રહ્યા હતા. કશું ખાસ સાંભળવામાં સફળતા ના મળી પણ ઉપર ઉપર થી જાણવા મળ્યું કે ચોરી થઈ છે! ચોરી થઈ છે! મે મારા સ્વપ્ન ના ઘોડા દોડાવી એક ચોરી નો કેસ ઉકેલવા જઇ રહ્યો હતો ત્યારે એક હાથ જોરથી મારા માથા પર 'ટપલી' સ્વરૂપે અડ્યો. હાથ માતાશ્રી નો હતો!
મારી આખો ખૂલી અને હું બેઠો થયો ત્યારે મને જાણવા મળ્યું કે ઘરના બધા જ પુરુષ વડીલોના ચંપલ એક સાથે ચોરાઇ ગયા હોવાથી બધા જ એકસાથે ચંપલ વિહોણા બન્યા છે. મે વાતમાં કેટલું સત્ય છે એ જાણવા બહાર જોઈને ફરી એક વાર પોતાની રીતે સીબીઆઇ તપાસ કરવાનું ચાલુ કર્યું. મને હતું કે ફેક એન્કાઉન્ટર ની જેમ આ પણ એક ખોટો કેસ ઘડવામાં આવ્યો હોઇ શકે જેથી ઘરના પુરુષો રવિવાર ના દિવસે દસ વાગ્યા પેહલા ઉઠી જાય. મે પેહલા સ્ટેન્ડ પાસે જઈને જોયું પણ સ્ટેન્ડ કોરોનકાળમાં ખાલી પડેલા સિનેમાઘર જેટલું ખાલી હતું. પછી મારી નજર આસપાસ દોડાવતા ખ્યાલ આવ્યો કે ચંપલ ચોરાઇ ગયા છે. જે રીતે એક એંજીનિયર ને ભણાવી ચાર વર્ષ પછી કોલેજ તેને બેસહારા છોડી દે છે એમ મે મારા ચંપલ રાત્રે બેસહારા બહાર છોડીને ઘરમાં આવી ગયો હતો. વિવિધ નકામી જગ્યાઓની ઉગ્ર તપાસ કર્યા બાદ પણ ચંપલ નો એક પત્તો મળ્યો ન હતો. બીજું એ વાતની બાતમી મળી કે માતાશ્રીના મોતની કગારે ઉભેલા, બસ્સો વાર જગ્યા-જગ્યાએથી સિવીને સાવ બેહાલ કરેલા ચંપલ અડગ હતા. તેના પર કોઈએ હાથ પણ લગાડ્યો નથી. આ જ હાલ બીજા ફાટી ગયેલ ચંપલોના હતા જે હાલ ઘરમાં પગારપંચ સાતના હેઠળ પેન્શન ખાઈ રિટાયર્ડ જીવન જીવી રહ્યા છે.
ઘરમાં સવારે ચા પીતા-પીતા મળેલી સર્વપક્ષીય બેઠકમાં બે તારણો નીકળ્યા, કા તો આ કામ કોઈ પેશેવર કુતરાનું હોઇ શકે જે રાત્રે માણસની હાજરીથી ડર્યા વગર ઘરમાં પ્રવેશે છે અને નવા એડીડાસ, નાઇકી અને બાટા પર જ મો મારે છે અને અંતમાં જુદાઈનું વિરહ સહન ના કરવું પડે એ બદલ બધી જોડીઓ લઈને ભાગી જાય છે. તેના પસંદગી ઉપરથી કૂતરો ખાનદાની હોય એવું માલૂમ પડે છે. બીજું તારણ એ નીકળ્યું કે આ કળા કોઈ માનવીના હાથની છે. મેઘાણીના સોરઠી બહારવટીયાની જેમ બાહોશ અને નીડર એવા પંચમહાલીયા ચંપલચોર રાત્રિ પહોરમાં 'હું તારી મીરા અને હું ગિરિધર તારો' ની વાતો ફોન પર કરતાં પ્રેમી પંખીડાઓથી બચીને, ઘરની સરહદ ઉરીના વિકી કૌશલ ની જેમ પાર કારી ચાર બ્રાંડેડ ચંપલ લઈને ફરાર થઈ ગયો.
જેમ તમારી પ્રેમિકા અચાનક જ કોઈ બીજા છોકરા સાથે સગપણ કરી દીધાં હોય અને તે બાતમી તમે ફેસબુક પર તેની પોસ્ટ જોતાં જાણો ત્યારે જેવુ હદયભગ્ન થાય છે તેવો જ હાલ મારો થયો. મે મારી જૂની પ્રેમિકાઓની જેમ મારા એક્સ-ચંપલ ની યાદમાં ખોવાઈ ગયો. એક બીજા સાથે ત્રીસ-ત્રીસ વર્ષ સાથે રહી રોજ સવારે નવી કકળાટ કરીને એકબીજાને મારી નાખવાની ધમકી આપનાર અમૂલ્ય જોડાઓ માંથી એક જણ વિદાય થઈ જાય ત્યારે બીજાને એટલું દુખ થતું નથી પણ સબંધો જ્યારે નવા-નવા હોય તેમાથી એક વિદાય લે તો દુખ વધારે થાય એમ જ હમણાં બે મહિના પેહલા સેલમાં લીધેલ ચપ્પલનું જવાનું દુખ મને વધારે હતું. કેટલીય વાતો જાણવાની બાકી હતી તેના વિષે, પહલી નજરમાં જ મને તે ગમી ગયા હતા. દેખાવે પણ નમણા, નાજુક, એને સાથે હોઇએ તો એવું લાગે કે આપણે સાતમે આસમાને હોઇએ!
આપણો સાથ તો જનમ-જનમ નો હતો, મને અહિયાં અધવચ્ચે છોડીને ક્યાં જતાં રહ્યા [વાંચકો ને અહી સ્પષ્ટ જાણવાનું કે વાત ચંપલ ની જ થાય છે] ! દિલ ને દિલાસો આપવા કહી દીધું કે જ્યાં હશે સુખી હશે, કદાચ એના સુખમાં જ મારૂ સુખ છે અને તુમ સાથ હો યા ના હો કયા ફર્ક હે બેદર્દ હે જિંદગી બેદર્દ હે એમ અરિજિત સિંઘ ના શબ્દો ઉચ્ચારતો જીવનમાં આગળ વધવાનું નક્કી કરી લીધું. જેમ કૂવારાઓ શાદી અને જીવનસથી.કોમો પર ઉત્સાહથી પોતાના સાથીની ખોજ કરે છે તેમ મે મારા નવા ચંપલ ની ખોજ એમેઝોન પર કરવા લાગી.
બપોરના બે વાગ્યાની આસપાસ રીસર્ચ અને એનાલિસિસ વિંગના હોનહાર જાસૂસ અને અમારી કામવાળી બાઈ કાંતાબા ઉર્ફે ચીકુબહેનને ઇન્ટેલ મળતા કચરો કાઢતા કાઢતા અચાનક સોસાઇટી ના નાકે બનેલ કૂવા તરફ ધસી પડ્યા. માહિતી હતી કે કેટલાક જોડી ચંપલો કૂવાની પેલે પાર મળ્યા છે. 7 મિનિટ ની રહસ્યમય શાંતિ બાદ તેઓ સફળતાપૂર્વક ચાર જોડી ચંપલ એરલિફ્ટ કરી પાછા અમારા ઘરે લઈને આવી ગયા. જોકે બીજા દેશની કેદમાંથી પાછા આવેલ આપણા સૈનિકોની જેમ અમારા જોડા તેમની મૂળ સ્થિતિમાં નહોતા. તેમા પણ મારા જોડા ની હાલત અતિ ગંભીર હતી, તેની ચારે બાજુ ચાવીને તોડી નાખવામાં આવ્યા હતા, જ્યાં અને ત્યાં દાતના નિશાન પણ સ્પષ્ટ પણે જોઈ શકાતા હતા. બાકી બીજા ચપ્પલો ને નાની-મોટી ઇજા થઈ હતી પણ અંતતઃ બધા સકુશળ હતા.
ઘરમાં ફરી ખુશીઓનું વાવાઝોડું ફરી વળ્યું. ઢોલક, નગારા અને મિક્સ્ચર ના અવાજ થી વાતાવરણ ગદગદી ઉઠ્યું. કાંતાબાને તેમને કરેલ વીરતા માટે આવતા દિવાળી પર 100 રૂપિયાનું બહુમાન આપવાનું નક્કી થયું. આખરે જેમ ફિલ્મ ના અંતમાં એક પછી એક કડી ખુલ્લી થાય એમ એક પછી એક પત્તાઓ ખૂલવા લાગ્યાં. આની પાછળ કુતરાઓની મોટી ટોળકી છે એ પણ ખુલ્લુ થઈ ગયું. તેમને રંગેહાથે પકડ્યા બાદ માતાશ્રી એ કુતરાઓને હવેથી રોટલી ના આપવાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો અને આગામી સોસાઇટીની ઝુમ મીટિંગ માં આ મુદ્દા પર ગંભીર રીતે વાતચીત કરવાનો પણ ફ્રેસલો લેવામાં આવ્યો.
આ રીતે ચંપલ ચોર ની રહસ્યમય ચોરી નો પર્દાફાશ થયો!

😂😂😂👍👍👍👌👌👌 kadak... bhai...
ReplyDeleteHaha, Thank you so much!
DeleteSuperb description with mind-blowing examples .. like to read 3-4 times...
ReplyDeleteThank you bhai!
Deleteકૂતરાઓ નુ ટોળું ચપ્પલ ચોરી ગયા ને એમાં લેખક ના ચપ્પલ સાવ તોડી જ નાખ્યા. આ નીરસ વાત ને રસપ્રદ બનાવે તે જ લેખક. ગજબ મઝા આવી, સાચે.
ReplyDelete