શેરબજારની મહામારી
ગીતાજીમાં ક્યાક લખ્યું નથી પણ, આત્મા નો માણસ દેહે સાથેનો જન્મ તેને કમાયેલા પૈસા કઈ રીતે ઓછા સમયમાં બેગણા, ત્રણગણા બનાવી શકે એના માટે થયેલ છે. આ કર્મ કરવાનો ભાર ખાસ કરીને આજની યુવા પેઢીને વધારે હોય છે. એથી જ આમ તો અર્થહીન વાતો કરી સમયનો મોટો ભાગ બગાડવામાં મોટી ઉપાધિ પ્રાપ્ત કરનાર મારા મિત્રો અચાનક જ શેરબજારની વાત ચાલવાની ચાલુ કરી દીધી છે.
જ્યારે પણ માર્કેટની વાત આવે ત્યારે તે 'શાકમાર્કેટ' જ હોય એમ સમજનાર હું માર્કેટ રાતે આઠ વાગ્યા સુધી ચાલે છે એમ ઉગ્ર દલીલ કર્યા બાદ વાત શેરમાર્કેટની છે એમ સમજતા એવો ભોઠો પડી ગયો જાણે કોઈએ પરમ પૂજ્ય 108 શ્રી બાબા રામદેવ પાસેથી એમની કોરોનાની દવા વિષે પૂછી નાખ્યું હોય. આમ તો મારુ જીવનકાર્ય લાકો ને નિખાલસ હાસ્ય પૂરું પાડવાનું છે પણ તે દિવસે જે રીતે લોકો હસ્યા એ દિલ પર એટલું વાગ્યું કે જેટલું 'બેવફા સનમ તારી બહુ મેહરબાની' ગાતા પેલા સંગીતકારના સનમને લાગ્યું હશે.
મે તરત જ ઘરે જઈને ભીષ્મ પિતામહ જેવુ પાણી લીધું કે હવે શેરબજારનું જ્ઞાન તો લેવું જ રહ્યું. જેમ બ્રહ્મજ્ઞાન અને આત્મજ્ઞાનમાં જેમ ગુરુની જરૂર પડે તેમ શેરમાર્કેટ જ્ઞાન લેવા માટે પણ તમારે ગુરુની જરૂર પડે જ. તેથી જ મે સંત કબીરની જેમ સાચા ગુરુની શોધ ચાલુ કરી દીધી.સારા ગુરુની શોધ એટલી જ જરૂરી છે જેટલી લગ્ન માટે બામણની જરૂર હોય છે.આખરે સેંકડો લોકોને મફતિયા ચા પીવડાવ્યા અને તેમના ગલ્લાના જૂના હિસાબ ચુકતે કર્યા બાદ મને મારા ગુરુ મળી જ ગયા!
એમની બોલીમાં નિફ્ટી અને વોલસ્ટ્રીટ જેવા શબ્દોનો ભપકો હતો. કપડાં-લત્તા જોઈને લાગતું હતું કે શેરબજારના એ એટલા જૂના ખેલાડી છે કે તેમણે પોતાનું ઘરબાર તો છોડો બાજુ અને સામે વાળાનું પણ ઘરબાર ફૂકી માર્યું હોય. લેણદારોથી બચતી આખો જોઈને સ્પષ્ટ લાગતું કે સાહેબ આખા ગામનું કરીને બેઠા છે. વોરન બફેટ,ઝૂંઝુનવાલા અને દામાણીઓની વાતો કરી એક જ મિટિંગમાં મને તેમણે અચંબિત કરી દીધો. મે મારુ ભણતર શરૂ કર્યું અને સપૂર્ણ શિક્ષા બાદ ગુરુ આખરે તમને ગુરુમંત્ર આપે એમ અહી પણ તેમને તેમનો ફોન નંબર અને મંત્ર આપ્યા કે ઇન્ટ્રા ડે કરવું નહીં, ટીસીએસ ઉઠાઈ લેવો, ઝોમેટો વેચી નાખવો, અરે રીલાયન્સ અને અદાણી તો લઈ જ લેવાનો.
ટીવી પર પણ નચ બલિયે અને તારક મેહતા છોડી સીએનબીસી લેવાનો મે કઠિન નિર્ણય લીધો.ગુરુવારના શુભ દિવસે માતાશ્રીને પગે લાગીને મે શેરબજારમાં ઝંપલાવ્યું. લિન્કડિન પ્રોફાઇલમાં શેરબજારનું કરું છે એ અપડેટ એડ પણ કરી દીધી. કયા શેર આવે છે, શું ભાવે ખૂલે છે કેટલા એ હોલ્ડ કરવો છે એના પર મે ચાંપીને નજર રાખી અને એક ઝપટમાં શેરબજારમાં સારી જગ્યાએ રોકાણ કર્યું. ખુશખબરી આપવા મે ગુરુ ને ફોન કર્યો ત્યારે તેમણે મને ઝાંટકી નાખ્યો અને કહ્યું કે આવી મોટી કંપનીમાં રિટર્ન ના મળે 'ફટાક સે ફુર' પૈસા જોઈતા હોય તો નાની કંપનીઓમાં પૈસા નાખવાના એમાં ઉપરનીચે બહુ થાય તો વધારે મળે અને ગુરુજીના આદેશ પ્રમાણે એક 'દમયંતી ફાર્માસ્યુટિકલ' 10 રૂપિયાના શેર લેખે 500 શેર લઈ નાખ્યા.
આખી રાત મને હું શેરબજારના રણછોડ એવા શ્રી હર્ષદ મેહતા બની ગયા હોવાના સપના આવ્યા.રાતે 3-4 વાગ્યા સુધી તો ઘરમાં લેકસસ ગાડી લઈશ તો મૂકીશ કયા ના પ્રશ્નો મંડાવા લાગ્યા.સવારે વહલો ઊઠીને પેહલા ભગવાનોને પગે લાગ્યો અને એક રાજકારણીની જેમ વાયદો પણ આપ્યો કે મને ફાયદો થશે તો એક મદિર તમારું પણ બાંધી દઇશ. સવારે માર્કેટ ખૂલ્યું, હું ન્યૂઝ ચેનલની પટ્ટીમાં મારી સફળતાની ચાવી 'દમયંતી ફાર્માસ્યુટિકલ' પર નજર કરી. એક સેકન્ડ માટે તો મારી આખો પર ભરોસો જ ના રહ્યો. દિવસની શરૂવાત જ તૂટતાં ભાવે થઈ, બપોર પછી તે 5 રૂપિયા થઈ ગયા.આજે એ વાત ને એક મહિનો થઈ ગયો, હું ઉઠી ગયો, મારા ગુરુજી પણ ઉઠી ગયા અમારા ઘરને પોતાનું ઘર સમજી દરવાજે બેસી રેહનાર આખલાઓનું ટોળું પણ કંટાળીને ઉઠી ગયું પણ એ શેર ના ઉઠ્યો. છેલ્લે 2 રૂપિયાની આસપાસ બધા શેર વેચી નાખી બેહાલી કરી. એ દિવસ પછી મહાભારત હારી ગયેલ ભીષ્મ પિતામહની જેમ ફરી કોઈ દિવસ શેર બજાર ના કરવાના વળતાં પાણી લીધા.
ચાલો, છેલ્લે કઈ નહીં તો હવે મિત્ર વર્તુળમાં શેરબજારની વાત થશે તો હું બાઘો તો નહીં રહું એમ કહી, કઈક તો સારું થયું, નો હાશકરો લીધો! મિત્રવર્તુળમાં જ્યારે મે મારી શેરમાર્કેટની મોટી-મોટી વાત કરી તો એમને બધાએ શાંતિથી સાંભળ્યું ત્યારે જ્યોતીન્દ્ર દવે ના 'જંગ જીત્યો રે મારો કાણિયો' જેવી અનુભૂતિ થઈ પણ એમાંથી એકે ઉઠીને કહ્યું કે બજારમાં કઈ છે જ નહીં હવે એ છોડીને બીટકોઈન ચાલુ કરવું છે. બધા એ ફરી માથું ધૂણાવ્યું અને પછી બીટકોઈન ની વાત કરવા લાગ્યા ત્યારે 'વહુ આવે ત્યારે જાણિયો' જેવુ થઈ,
હું ફરી બાઘો અને બાઘો રહી ગયો!
Comments
Post a Comment