સિક્યુરિટીની પારાયણ

 બપોરે ચાની ચૂસકી લેવા બહાર નીકળતા જ મને મારો મિત્ર મળી ગયો. આ મિત્ર વિષે જણાવું તો આ મિત્ર મારા બાકીના, 'ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ' એવા મિત્ર જેવો નહતો.એક વર્ષ પેહલા તેને ગુજરાત સરકારની નોકરી મેળવવાની નામાંકિત પરીક્ષા પાસ કરી, અમ સૌમાં સર્વશ્રેષ્ટતમની પદવી મેળવી હતી. અમ સૌ બેરોજગાર પાંડવો અને કૌરવોમાં તે સાક્ષાત શ્રીકૃષ્ણ સમા હતા. 'મુજ પંથક ને સારથી બની જ્ઞાન દે' એમ સમજી હું એને ચા પીવાડવા લઈ ગયો. ચા વાળા ગઢવી ને આદેશ કર્યો કે, 'હે પ્રભુ તારી સર્વ પાક કળાનો ભરપૂર ઉપયોગ કરી, આજ તું મને એવી ચા પા કે મારા મિત્રના હાલ બેહાલ થઈ જાય અને જે પૈસા થાય એ મારા ખાતામાં લખી દેવાય.' 


ચા આવી અને જેમ સરકારી નોકરી મળતા, પગે અથડતા-પછડતા અને પડી રેહતા છોકરીના માંગે-માંગાંઓમા હજી આપણી વાળીનું માંગુ તો નથી આઈ ગયું તે પૂછવા જરા અમસ્તું જ પૂછ્યું કે, ' શું હાલ ચાલ પ્રભુ?" 


ત્યાં તો એના આસુંની ધારાઓ એવી રીતે પડવા લાગી જાણે સરકારે કાલે રેડ એલર્ટ જાહેર કર્યો અને આજે મુશળધાર વરસાદ પડી જાય. 


મે પૂછ્યું, " શું થયું ભાઈ?"


તો એ મને એક ખૂણા તરફ લઈ ગયો અને ધીરે થી કહેવા લાગ્યો કે "યાર, મને તો 11 મહિનાના કરારે રાખ્યો હતો, પછી કરાર રિન્યૂ જ ના કર્યો. એક બે માહિનામાં કરાર ખત્મ થઈ ગયા બાદ હું ફરી પાછો બેકાર થઈ જઇશ" પછી પાછો એવો પોક મૂકી મૂકીને રડ્યો, એવો પોક મૂકી રડ્યો કે જાણે કોઈ છોકરી ને જાણ થાય કે એનું તો એ જ છોકરા જોડે ફિટ થયું છે જેને તેણીએ ચોથા ધોરણમાં રાખડી બાંધી હતી.


આજની સ્પર્ધાત્મક દુનિયામાં લોકોને આ વખતની આઈપીએલ કોણ જીતશે પછી બીજો કોઈ સવાલ સૌથી વધારે મનમાં થતો હોય તો એ એ છે કે એમની નોકરી કેટલી ટકશે? આજની નોકરીઓનો કોલેજની પ્રેમિકાઓની જેમ, આજે છે કાલ નથી અને કાલ છે તો પરમ દિવસે ટકશે કે નહીં ટકે એવો કોઈ ભરોસો હોતો નથી. પરમ દિવસે જ મને મારો સોસાયટીનો સિક્યુરિટી રાતે જલ્દી સૂઈ જવાનું કહેતો ગયો. કહતો ગયો કે તમે જ 3-3 વાગ્યા સુધી જાગો છો તો સોસાયટીના સેક્રેટરી મને પૂછે છે કે પછી તારી શું જરુર છે? આજે સિક્યુરિટીની જોબમાં જ સિક્યુરિટી ન હોવાનો ધોર કળયુગ આવી ગયો છે. 


વાતે વાતે રિસાઇને ઉઠી જતી હોય એવી સાસુ જેવી બેન્કોમાં આપણે પૈસા મૂકવા જઈએ તો, આપણે ભલા માણસ કઇ સિક્યુરિટી માંગતા નથી, પણ લોન લેવા જાઓ ત્યારે પૈસા લઈને ભાગી જનાર દેવાદારની જેમ હું તો તમને ઓળખતો જ નથી એમ કહી સિક્યુરિટી માંગતા હોય છે. સિક્યુરિટીનો પ્રશ્ન તો એટલો બધો ગંભીર થઈ ગયો છે કે મિકેનિકલ ઇંજિનિયરિંગ તો આંખ બંધ કરીને લઈ જ લેવાય એમાં તો નોકરી જ નોકરી છે અને એ તો એવરગ્રીન જ રેહવાની એમ મફતિયા સલાહ આપવાવાળા રંગીન લોકોને જ્યાં મળે ત્યાં ટીપી નાખવા માટે એક પ્રોઢ અને કોરોનામાં નવા બેરોજગાર થયેલાઓનું ટોળું ખુલ્લુ જ ફરતું હોય છે. 


સરકારશ્રી ના જ ખુદ ઓક્સફોર્ડ યુનિર્વસિટીની બાજુની ગલીમાં ચાલતા શર્મા ક્લાસીસના એલૂમિનાઈ સભ્યો નોકરી અપાવાને બદલે ખુદ ગાય પાળવાની, ખેતી કરવાની અને બટાકાવડા બનાવાની સલાહ આપે છે. 'ક્યાં લે કે આયા રે બંદે ક્યાં લેકે જાયગા?' એમ કબીરના દોહાની જેમ જોબ-સિક્યુરિટી ના હોવાને લીધે આજે કેટલાય લોકો  એમબીએ કે ઈજનેરી ડિગ્રી હોવા છતાં છેલ્લે સેલ્સ-માર્કેટિંગ કે કોલ સેન્ટરની જોબ લઈને ફરતા હોય છે જ્યારે એમાંથી કેટલાક સાહસિક એ જ કંપની સામે પાણિપુરી, મેગી કે કોઈ છેલ્લે ચા-મસ્કાબન ની લારી ખોલી વધારે પૈસા કમાય છે. 


ભગવાન મહાવીરની જેમ હું પણ આ  પારાયણને મારી સામે થતાં જોતો રહ્યો.








Comments

Popular Posts