ઓલિમ્પિક્સ પર ચર્ચા

ગયા અઠવાડિયે જ ગોધરા પાન-ગલ્લા સમિતિની આઠમી બેઠક યોજાઇ. મીડિયા પર એની કઇંક ઝાઝી ચર્ચા ના થઈ પણ મીડિયામાં શું ચાલે છે એના પર મોટા-મોટા શાસ્ત્રો લખાઈ જાય એટલી બધી વાતો થઇ. ચર્ચામાં સરકારી નોકરી મળતા સારી છોકરીઓના માંગે-માંગાં આવી જશે તેવી આશા રાખનાર જીપીએસઇના નિસ્વાર્થ આશાવાદી વિધ્યાર્થીઓ પર રાતોરાત પડેલ આપદા પર ગૂઢ ચિંતન કરવામાં આવ્યું જેમનો સિલેબસ ઓલિમ્પિકને લીધે વધી ગયો છે ઓલિમ્પિક્સની ચર્ચા ઘણી રસપ્રદ રહી! ક્યાં ખેલાડીએ શું કરવા જેવુ હતું થી લઈ સોનાનો મેડલ સોનાનો છે કે બનાવટી અને એને વેહચી નાખીએ ભૂરો સોની એનો શું ભાવ આપે એના પર બધા એ પોતપોતાના મત આપ્યા.ચર્ચાના અંતમાં એક વડીલે ચાની 'સડડડડ..' એવી અભૂતપૂર્વક ચૂસકી મારતા કહ્યું કે ગોરાઓ છે ને આપડાથી ડરે છે. આપણી રમતોને તો તેઓ સામેલ જ નથી કરતાં. કેમ સંતા કૂકડી, આવ પોળી ચંપા ચોળી કે ક્રિકેટ ઓલિમ્પિકની રમતોમાં સામેલ નથી એમને એવી બીક લાગે છે આપણે પછી બીજાને ગોલ્ડ જીતવા જ ના દઈએ. આ બધુ ખોટું નાટક છે અને સભામાંથી સાંસદમાં વિરોધ પક્ષના નેતાઓ કરે તેમ  વોક આઉટ કરી નાખ્યું. 


મને ખબર ન હતી કે આ વાત મારા મન પર ઉંડી અસર કરી દેશે. ઘરે આવ્યા બાદ પણ મારુ મન એ ટિપ્પણીના કારણે વિચલિત થઈ ગયું હતું. તે સમયે પરિવાર સાથે બહાર જવાનો વારો આવ્યો. ગાડી ચલાવા માટે એક ડ્રાઈવર પણ રાખવામા આવ્યો. 


ગાડી 70-80ની ઝડપે હાઇવે પર ચાલી રહી હતી અચાનક જ ડ્રાઈવરે ગાડી ધીમી કરવા માડી અને ધીમે ધીમે સાઈડ પર લેવા માડયો. કુશળતાથી એને એક જ ઝપટમાં તેને પોતાની સાઇડનો દરવાજો ખોલ્યો. ગાડી હજુ પણ ચાલુ જ હતી અને એક હાથ સ્ટીરિંગ પર રાખી નીચે ઝુકીને ચાલુ ગાડી એ પાનની પિચકારી થૂકી નાખી. પછી દરવાજો બંધ કર્યો અને ગાડી જેમ હતી તેમ ફરીથી ચલાવવા લાગ્યો. 


આ કરતબ જોઈને મારા તો હોશકોશ ઊડી ગયા. જેમ શ્રી હનુમાનજીની સીતામૈયાને ખોજી કાઢવાની વાત સાંભાળ્યા બાદ પ્રભુશ્રી રામ નિશબ્દ થઈ ગયા હતા તેમાં આ ડ્રાઈવરની વીરતા બિરદાવવા મારી પાસે શબ્દ ન હતા. એ જ સમયે અચાનક મને થયું કે ક્રિકેટમાં, સંતા કૂકડી કે આવ પોળી ચંપા ચોળીમાં તો કદાચ એક વાર આપણે હારી પણ શકીએ પણ પિચકારી મારવાની દુર્લભ કળામાં ભારતને કોઈ પછાડી શકે એમ નથી. 

 

ઓલિમ્પિકમાં જાતભાતની રમતો રમાય છે, પાણીમાં કુદવાથી લઈ, ભાલા ફેકવા, ચક્રો ફેકવા, ચાલવા, દોડવા પણ ક્યાય પિચકારી મારવાની રમતનો સમાવેશ થયો નથી. ભારત વૈવિધ્યપૂર્ણ દેશ છે જેમાં જાતિ-ભાતિના લોકો રહે છે પણ તમે ભારતમાં ગમે ત્યાં જતાં રહો તમને એક તો એવી ઇમારત મળી જ આવશે જેમની દીવાલો પાનથી 'મુજે રંગ દે' ગીત ની નાયિકાની જેમ લાલ રંગી દેવામાં આવે છે અને કેટલાક ચતુર નિશાનેબાજો તો ત્યાં જ થૂંક નાખે છે જ્યાં લખેલું હોય છે કે 'અહી થૂકવું નહીં'. કેટલાક દિવસ પેહલા મે સમાચાર પણ વાંચ્યા હતા કે પાન ખાઈને એક બાહોશ રમતવીરે તેની પ્રેમી કન્યાની માંગ 10મી દૂરથી પિચકારી કરીને ભરી નાખી. અમારા મેહાણાના ભલાભાઈ 555 નો માવો ખાઈ તો એક કલાક સુધી મોમાં ભરી રાખવાનો વિશ્વ રેકોર્ડ પણ સ્થાપી શકે છે. આ રમત માં એટલા કુશળ છે કે તેમના સગા પત્નીએ તેમનું સીધું મો જોયું જ નથી.


આ જોતાં લાગે જ છે કે આ રમત ને આગળ જતાં ઘણો પ્રેમ મળી શકે છે. જેમ એથ્લેટિક્સના વિવિધ પ્રકારો હોય છે એમ આમાં પણ 10મી દૂરથી થી થૂકવું, દોડતા આવી ને થૂકવું, લોંગ જંપ કરીને થૂકવું, પાણીની અંદરથી થૂકી નાખવું જેવી ભિન્ન વસ્તુ કરી શકાય, અહી વિવિધતાઓની કોઈ સીમા જ નથી. 


દરેક રમત ને ચલાવવા સ્પોન્સર્સની જરૂર પડતી હોય છે પણ આ રમત માટે તો સ્પોન્સર્સ પણ દોડતા-દોડતા આવી શકે છે. જો વિમલ જુબાન કેસરી કરવા માટે શાહરુખ અને અજય ને એક સાથે લાવી શકે તો કશું પણ થઈ શકે છે અને વિમલ જ કેમ રજનીગંધા, માણેકચંદ, આરએમડી, 555 માવો પોતે પોતાની એક ટિમ પણ બનાવી અંદર અંદર આઈપીએલ જેવુ પણ કરી શકે છે જેમાં વિવિધ પ્રાંતના રમતવીરો ભારતનું ગૌરવ વધારવા આગળ આવી શકે છે. અંતે તેમને જીવન જીવાવનું એક લક્ષ પણ મળી શકશે! 

  







Comments

Post a Comment

Popular Posts