એહવાલ- પાન.બીડી.ચા સમિતિની ખાસ બેઠક

આજે શેરબજારમાં હિડિમ્બા રિપોર્ટ ના કારણે શ્રીમાન અદાણીજીના શેરોમાં જે કકડભૂસ થયું અને જેના કારણે તેમનું સ્થાન દુનિયાના સૌથી ધનિક પુરુષોની યાદીમાં એમના શેરની જેમ પડી ગયું ત્યારે નવી મુંબઈ અને મુંબઈના પાન-બીડી-ચા સમિતિના સભ્યો એક તત્કાલ મિટિંગનું આયોજન કર્યું.   

રવિવારની અઠવાડીક બેઠકમાં આજે ભારે ભીડ ઉમટી આવી હતી. પહેલી વાર સમિતિની બેઠકમાં સમોસા કે પાવ-વડાની લાલચ વગર આપ્યા વગર આટલી મોટી સંખ્યામાં માનવ મેહરામણ ઉમળતા સભાપતિ મનીષભાઈની આંખ માં આંસુ આવી ગયા હતા. કેટલાક સભ્યો એ એમને માવો ઘસ્યા બાદ ટેન્ટ પાછળ જઇ રડતા પણ જોયા એવા અહેવાલ પણ સામે આવે છે. જ્યારે એમને આ ઘટના વિષે પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું કે "સુખ ના દિવસોમાં તો બધા સાથ આપે, સાચા શેરબજારના સટ્ટોડીયા એ તો એ છે કે જે આવા દુઃખની ઘડીમાં પણ તમારી જોડે ઉભા રહે." 

મનીષભાઈ એ સભાની શરૂવાત શ્રી અદાણીભાઈ માટે બે મિનિટ મૌન રાખવાથી કરી. સભામાં પુરેપુરી શાંતિ છવાઈ ગઈ. બેન્ક નિફટી થી લઈને રોજિંદી કમોડિટીમાં લે-વેચ કરવા વાળા બધા જ આંખો બંધ કરી ને હવે આગલો નંબર મુકાભાઈની રિલાયન્સનો ના આવે એની પ્રાથના કરવા લાગ્યા. ના બોલવા વાળા તો ના જ બોલ્યા પણ વાતમાં-વાતમાં બોલવા માટે થુંકી-થુંકીને દરેક જગ્યા ને લાલ કિલ્લો બનાવનાર વડાલાના ઝૂંનઝૂંનવાળા એવા રાકેશભાઈ બારોટીયા પણ મોં-માં માવો ભરીને બે મિનિટ થુક્યા વગર બેસી રહયા. 

મનીષભાઈ થોડુંક બોલ્યા, પછી સભામાં સૌથી પ્રૌઢ અને પોતાના પપોત્ર અને પપોત્રી ના મોઢા પછી સુઝલોન અને વોડાફોન-આઈડિયા ના શેર ઉપર ક્યારે આવશે એ જોવા જીવતા રહેલા કિશોરકાકા એ કેવી રીતે હર્ષદ મેહતા વખતે એમના રામ રમાઈ ગયા હતા એના અનુભવો પર પંદર મિનિટ બકવાસ કરી, જતા-જતા ક્રિપ્ટો ને પણ બે-ચાર મોટી મોટી સંભળાવતા ગયા. [ નોંધ- સૂત્રોના મુજબ જાણવા મળ્યું છે કેનેડાના ચર્ચિત શહેર વાનકુંવરમાં રહેતા એમના કુંવરે ક્રિપ્ટોમાં પૈસા નાખી ખાસ્સાઓનું કરી નાખ્યું છે. કાકા ખુદ ડોજેકોઈનમાં ખાસ્સા ભરાણા છે ! - નોંધ પુરી ]

વિદેશી લોકોએ આપણા વડાપ્રાધન અને સૌના લોક લાડીલા મોદીજીની સામે આપણા દેશના યુવાનોને વિશ્વનું ભવિષ્ય બતાવી, પાછલા દરવાજે એમને જ કાઢી નાખ્યા છે એવી ઘટના પણ સામે આવી છે એને કારણે સભામાં તાજા-તાજા બેરોજગાર થયેલ યુવાઓનોની  સંખ્યા વધારે હતી એવું અનુમાન લાગવા માવે છે. સભામાં વરિષ્ટ એવા મૂળ મેહસાણાના પણ દાદરના ફેશન વનપીસમાં જુનિયર સેલ્સમેનની નોકરી કરતા નટુકાકા એ " જો ભૂંડા, એ તો એમ જ હોય, નોકરી અને છોકરી ગમે ત્યારે જતી રહે પણ ગભરાવાનું નાઈ, ઈ તો બીજી ખોળી લેવાની" વાત કરી. સભાના એક ઉમેદવારએ પ્રશ્ર્ન ઉભો કર્યો કે આ છોકરી શોધવાનું કામ લગન પછી પણ ચાલુ રખાય કે નહિ? [ ઉમેદવારનું નામ એમના બૈરાંના બીકે ખાનગી રાખવાનું કહ્યું છે ] ત્યારે ચર્ચા એ જોશ પકડી અનેક તર્ક-વિતર્ક થયા બે જણ મારામારી પર પણ આવી ગયા પણ પછી જયારે આપણા ચા-વાળા ભાઈ એ ચા બની ગઈ છે એનો ઈશારો કર્યો ત્યારે જેમ મુંબઈમાં ભીડ સાંજની થાણે-ડોમ્બિવલીની ટ્રેન પકડવા નાઠતી હોય છે એમ ઉભી પૂંછડી એ ભાગી. 

ચા પીતા-પીતા અમુક ઉમેદવારો એ આ ચા વાળાની આવક ફરી ગણી નાખી અને મામા અર્થ અને ઝોમેટોની જેમ એમને પણ પોતાનો આઇપીઓ ખોલવાની સલાહ આપી પણ ચા વાળા એ મોટી ગાળ દઈને પોતે એંજલ ઇન્વેસ્ટર છે એના કાગળિયા બતાયા. કાગળ મુજબ ચા વાળા કાકા એ ઘણી બધી નાની-મોટી કંપનીમાં સીરીઝ-બી અને ડી ફંડિગ કર્યું હોવાનું સામે આવ્યું. પોતાની ચા બનાવાની દુકાનમાંથી 2050 સુધી માં સડા-સાતસો કરોડનું ટર્ન ઓવર થશે એવી રીતે પોતાની વેલ્યુએશન પણ મૂકી. જયારે નવા-નવા બેરોજગાર થયેલા યુવાઓ એ એમના ત્યાં કામ કરવાની ઈચ્છા પ્રકટ કરી ત્યારે એમને એમના રેસુમે એમના કપ ધોવાવાળા કમ એચઆર પિન્ટુને ઈમેલ કરી દેવાનું કહ્યું. 

જી-20 સમિતિ પછીની સૌથી મોટી બેઠક મુંબઈમાં હોસ્ટ થઇ. એકદંરે સૌએ પોત પોતાના પક્ષ મુક્યા અને ફરી મળવાની તારીખ સાથે સૌએ વિદાય લીધી. 

અંત. 


  


      




        

  

  

Comments

Popular Posts